Skip to main content

ATMમાં નાણાં ભરનાર કેશિયર 1.39 કરોડની ઉચાપત કરી ફરાર

એટીએમમાં કેશ લોડ કરતી ખાનગી કંપનીના કર્મચારીએ ફેબ્રુઆરી માસથી પાંચ મે સુધીમાં કુલ 27 એટીએમમાંથી 1.39 કરોડની ઉચાપત કરી હતી. કંપની દ્વારા ઓડીટ હાથ ધરાતા આ છેતરપિંડી બહાર આવતા કંપનીએ આ કર્મચારી વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સીએમએસ ઇન્ફોસીસ્ટમ લિમિટેડના એસોસિએટ ડાયરેક્ટર નિલય શાહે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તેમની કંપનીમાં કામ કરતા કેશીયર વિરુદ્ધ ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી છે. કંપનીમાં એટીએમમાં નાણાં નાખવા ટીમ બનાવવામાં આવે છે તેમજ કયા એટીએમમાં કેટલા નાણાં નાખવા તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. એટીએમમાં નાણાં ભર્યા બાદ આ કર્મચારીઓએ તેની રિસિટ જમા કરાવવાની હોય છે. ત્યારબાદ તેની નોંધ કરીને વિગત બેકમાં મોકલી દેવામાં આવે છે.

આ કંપનીમાં એટીએમમાં પૈસા નાખવા માટે કામ કરતા કર્મચારી પૂર્વીશ ચૌધરી, સોનુ ગુપ્તાને છેલ્લાં બે વર્ષથી કુલ 37 જેટલા એટીએમમાં પૈસા નાખવાનું કામ આપવામાં આવ્યું હતું.શુક્રવારે સાંજે ફરીવાર ઓડિટ ટીમ દ્વારા વિઝીટ કરાઈ હતી જેમાં સોનુ ગુપ્તાને સાથે લઈને ઓડિટની ટીમ ગઈ હતી. જમાલપુર પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમ પર ઓડિટ ચાલતું હતું તે દરમિયાન પૂર્વેશ પણ ત્યાં આવ્યો હતો. વટવા ખાતે આવેલા એટીએમમાં ઓડિટ કરવા જતા હતા તે દરમિયાન પૂર્વીશે બાઈકમાં પંક્ચર થયું છે તેમ કહી વટવા ખાતે ન પહોંચતા રસ્તામાંથી ફરાર થઈ ગયો હતો. થોડીવાર બાદ ઓડિટ ટીમે 22 એટીએમ ચેક કર્યા બાદ અલગ અલગ એટીએમમાંથી મળી કુલ 1,38,99,000 રૂપિયાની ઉચાપત પૂર્વીશે કરી હોવાનું બહાર આવ્યું હતું.

Comments