Skip to main content

અવિશ્વાસ પ્રસ્તાવ કોંગ્રેસે પરત ખેંચ્યો, બદલામાં જાણો નિતીન પટેલે શું આપ્યું

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલી મારામારી બાદ વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના બે ધારાસભ્યોને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા, જેના વિરોધમાં કોંગ્રેસે અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી, જેને કારણે ભાજપના નેતાઓ પણ દોડતા થઈ ગયા હતા અને તેમણે સમાધાનનો રસ્તો કાઢીને સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોનું સસ્પેન્શન ઘટાડવાનો નિર્ણય લીધો છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિધાનસભાના જાણકાર સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, ધારાસભ્યોનું સસ્પેન્શન ત્રણ વર્ષથી ઘટાડીને આ સત્રના અંત સુધી કરવામાં આવશે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ પરત ખેંચી લેવામાં આવ્યો છે. એટલે ત્રણેય ધારાસભ્યોનું આ સત્રના અંત સુધીમાં સસ્પેન્શન રદ્દ થઈ જશે. આવતીકાલે બજેટ સત્રનો છેલ્લો દિવસ હોવાથી આવતીકાલથી ત્રણેય ધારાસભ્યોનું સસ્પેન્શન રદ્દ થઈ જશે.

કોંગ્રેસના શૈલેષ પરમારે અવિશ્વાસ પ્રસ્તાવ પરત ખેંચી લીધો છે. સર્વાનુમતે પ્રસ્તાવને પરત ખેંચવાની વાત સામે આવી છે. ધારાસભ્યોના સસ્પેન્શન પરત ખેંચવા માટે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે દરખાસ્ત વિધાનસભા અઘ્યક્ષ સમક્ષ મૂકી છે. કોંગ્રેસે કહ્યું હતું કે, અમે અવિશ્વાસ પ્રસ્તાવ પાછો ખેંચ્યો છે હવે નિતીન પટેલ પણ સસ્પેન્શન પાછું ખેંચે.
મારામારી કરનાર ધારાસભ્યને અધ્યક્ષે આપી હતી સજા...
વિધાનસભામાં બનેલી મારામારીની શરમજનક ઘટના બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કડક કાર્યવાહી કરતા કોંગ્રેસના બે ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આ સિવાય તેમણે બળદેવ ઠાકોરને પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના બે ધારાસભ્યો પર કડક કાર્યવાહી કરવાની દરખાસ્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 3-4 ધારાસભ્યોને કારણે વિધાનસભા ગૃહ બદનામ થયું છે. દાખલારૂપ પગલા લેવાવા જોઈએ. પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ અને બળદેવ ઠાકોરને પણ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે અને નીતિન પટેલની આ દરખાસ્તને પ્રદિપસિંહ જાડેજા સહિત અન્ય ઘણાં BJPના નેતાઓએ પણ સમર્થન આપ્યું છે.

Comments