Skip to main content

BJPના સાંસદ ગોપાલ શેટ્ટીના મતે ખેડૂતોની આત્મહત્યા એક ફેશન!

દેશમાં ગત વર્ષે હજારોની સંખ્યામાં ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. તેને લઈને સરકારને પણ વિપક્ષોએ ઘેરી હતી. ત્યારે કેન્દ્ર સરકારે એવું કહ્યું હતું કે દેશમાં ખેડૂતોનું રક્ષણ કરવું એ સરકારની ફરજ છે અને તે અમે પૂરી કરીશું પરંતુ આ જ સરકારના એક નેતાને ખેડૂતોની આત્મહત્યા એક ફેશન લાગે છે.
બોરીવલીમાં આયોજિત એક સમારોહમાં ઉત્તર મુંબઈના પ્રતિનિધિત્વ કરનારા ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીએ સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે બધા ખેડૂતોની આત્મહત્યા પાછળનું કારણ બેરોજગારી કે ભૂખમરો નથી, એક ફેશન અને ચલણ બની ગયું છે.
ગોપાલ શેટ્ટીએ વધુમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર વળતરના રૂપમાં 5 લાખ રૂપિયા આપી રહી છે જ્યારે પાડોશી રાજ્યમાં કોઈ બીજી સરકાર 7 લાખ આપી રહી છે. પહેલી વાર સાંસદ બનેલા શેટ્ટીએ કહ્યું હતું કે ખેડૂતોને વળતરમાં પૈસા આપવા માટે આ લોકો વચ્ચે હરીફાઈ લાગી છે.
કોંગ્રેસે શેટ્ટીના આ નિવેદનને વખોડી નાખ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે અસંવેદનશીલ ટિપ્પણી ખેડૂતો માટે ભાજપની અસંવેદનશીલતા દર્શાવે છે. MRCCના અધ્યક્ષ સંજય નિરુપમે કહ્યું કે મહારાષ્ટ્ર અત્યાર સુધીના સૌથી ખરાબ ખેતી સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે શેટ્ટીની આવી ટીપ્પણી એ વાતની પ્રતીતિ કરાવે છે કે તેમની સરકાર ખેડૂતોના પ્રતિ કેટલી અસંવેદનશીલ છે.
અહીં નોંધનીય છે કે ગત જાન્યુઆરી માસ દરમિયાન મહારાષ્ટ્રના કુલ 124 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જોકે, હાલમાં કેન્દ્ર સરકાર પણ એક એવી યોજના રજૂ કરવા જઈ રહી છે, જેમાં પાક નિષ્ફળ જવાને કારણે અત્યાર સુધી વળતર માત્ર જમીન માલિકને જ મળતું હતું તેના સ્થાને હવે જે લોકો જમીન વાવવા માટે ભાડે રાખે કે ભાગીદારીથી જમીન ખેડવા માટે રાખે તેમને પણ વળતર આપવામાં આવશે.

Comments